વાર્તાની જો સૌથી મહત્વની બાબત છે તો એ એમાં રહેલા પાત્રો - એમાં માણસો.
એ માણસોની લાગણીઓ, ભાવ, બુદ્ધિમતા અને તેમનું બાકીની દુનિયા સાથે જોડાણ કે એમની અન્યથી સાવ અલગ એવી બાબતો - આ બધું એક યાદગાર વાર્તાના સૌથી વધુ મહત્વના તત્વો છે.
પણ એક રસપ્રદ પાત્ર કઈ રીતે બનાવી શકાય?
યાદ રાખો - પાત્ર વાચકો માટે રસપ્રદ હોવું જોઈએ. સારું - ખરાબ - સાચું - ખોટું - ગમી જાય તેવું નહિ. પણ રસપ્રદ.
શોલેનો ગબ્બર સિંહ કોઈને ન ગમે - પણ એ અત્યંત રસપ્રદ પાત્ર છે. માટે જ યાદગાર છે.
------
રસપ્રદ પાત્રમાં ઊંડાણ હોવું જરૂરી છે.
તે માટે સૌપ્રથમ પાત્ર એટલે કે એ વ્યક્તિ કોણ છે એ વાચકને ખબર હોવી જોઈએ. જેથી એ વાર્તામાં શું કરે છે અને એ એમ જ કેમ કરે છે એની સમજ સ્થાપિત થઇ શકે. નિરસ પાત્ર એટલે એવું પાત્ર કે જેની સાથે કોઈ રીતે વાચક જોડાઈ જ ન શકે.
રામાયણમાં શ્રીરામ પિતાની વાત માનીને વનવાસ વેઠવા એક ક્ષણમાં તૈયાર થઇ જાય છે. આ વાત વિશ્વાસપાત્ર ત્યારે બને જયારે અગાઉના સંવાદ દ્વારા કે અગાઉ દર્શાવેલી અમુક ઘટનાઓ દ્વારા કે શ્રીરામના અગાઉના અમુક નિર્ણયો દ્વારા એવું સ્પષ્ટ થાય કે રામ પિતાની વાત ક્યારેય ટાળતા નથી અને પોતાના ભાઈઓ, પરિવાર કે પ્રજા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે.
પાત્ર કોણ છે એ જણાવવાની બે મૂળભૂત રીત છે -
શું? કોણ? ક્યાં? ક્યારે? કેમ?
પાત્ર એટલે જે તે વ્યક્તિ કોણ છે? ક્યાં રહે છે? શું કરે છે? ક્યારે ક્યાં જાય છે? શું એનું કોઈ રૂટિન છે? દુનિયા વિશે તેમના શું ખ્યાલ છે? જીવન વિશે એ શું વિચારે છે? અને આવા કેટલાય સવાલો કે જે તમને જે તે વ્યક્તિનો અંદાજ આપવા મદદરૂપ બને એ સવાલો લેખકે પોતાની જાતને જ પૂછવા જરૂરી છે.
આ દરેક ચીજ વાર્તામાં દર્શાવવી જરૂરી નથી જ. પણ લેખકને તો એ ખબર હોવી જ જોઈએ - જેથી પાત્રનું ઘડતર એ સ્પષ્ટતાથી કરી શકે.
પાત્ર જેવું છે તેવું કેમ છે એની સમજણ વાચકોમાં સ્થાપિત કરવી જરૂરી છે.
એ ખલનાયક છે તો શું કામ છે? એ બધાને મદદ કરનાર સેવાભાવી છે તો શું કામ છે? એ જીવનથી વિમુખ થઇ જનાર ઉદાસીન છે તો શું કામ છે? એની પાછળ એવી કઈ ઘટના કે વ્યક્તિ જવાબદાર છે? એની વિચારસરણી શું છે?
પાત્રની ઈચ્છા અને જરૂરિયાત
આ સૌથી મહત્વનો મુદ્દો - પાત્રાલેખનનો જ નહિ પણ વાર્તાલેખનનો પણ છે.
અમુક મહત્વના સવાલો -
વાર્તા કોના વિશે છે? વાર્તા શું કહેવા માંગે છે? અને તે કઈ રીતે આગળ વધે છે?
વાર્તાની શરૂઆતમાં વાર્તાના મુખ્ય પાત્રની કોઈ ઈચ્છા કે લક્ષ્ય હોય કે જેને પુરી કરવા એ સંઘર્ષ કરે અને વાર્તા આગળ ધપે.
પાત્રની આ યાત્રા વાર્તાનું મૂળભૂત સત્વ છે.
ફરીથી, સીતાહરણ બાદ રામાયણમાં શ્રીરામનું લક્ષ્ય સીતા માતાને છોડાવી પાછા લાવવાનું છે અને એ માટે તે અલગ અલગ અન્ય લોકોને પણ મળતા જાય છે - લક્ષ્ય તરફ આગળ કૂચ કરે છે.
ફિલ્મ 3 ઈડિયટ્સમાં મુખ્ય પાત્ર રેન્ચોની ઈચ્છા શ્રેષ્ઠ કોલેજમાં જવાની અને સમજીને ભણવાની હોય છે. અને આ ઈચ્છા વાર્તાને આગળ ધપાવે છે. તેને અન્ય મુખ્ય પાત્રો સાથે પણ મળાવે છે.
પાત્ર કે જેની ઈચ્છા અને જરૂરિયાત વાર્તાને આગળ ધપાવે છે એ વાર્તાનું મુખ્ય પાત્ર - વાર્તા નાયક - છે.
પાત્રની ઈચ્છા એટલે? - પાત્રનું દેખીતું લક્ષ્ય. પોતાનું આ લક્ષ્ય મેળવવા એણે કોઈ બાહરી વિરોધ - ખલનાયક - સાથે સંઘર્ષ કરવો પડે. આ છે પાત્રની બાહરી યાત્રા.
વાર્તાનો પ્લોટ - એક પછી એક ઘટતી ઘટનાઓ - વાર્તા નાયકની આ ઈચ્છાને અનુસરે છે - જેમ જેમ વાર્તા નાયક આ દેખીતા લક્ષ્યને મેળવવા આગળ વધે છે. આ છે પાત્રની બહાર દેખાતી યાત્રા. આ દરમિયાન એને ખલનાયકનો કે અલગ-અલગ સંઘર્ષોનો સામનો કરવો પડે છે.
પણ વાર્તા નાયકને ઈચ્છા કે લક્ષ્ય હોય છે શું કામ?
વાર્તા નાયકને લાગે છે કે આસપાસની પરિસ્થતિમાં - વ્યક્તિઓમાં અને પરિણામે એનામાં કંઈક ખૂટે છે. વાર્તા એ ખોટ પુરી કરવાની ઘટમાળ છે.
અહીં આવે છે - વાર્તાનાયકની જરૂરિયાત- એટલે પોતાનામાં રહેલી કે પોતાના વિશેની એવી કોઈ ચીજ કે જે પ્રગટ થઇ જાય - જડી જાય તો વાર્તા નાયકને સંતોષ થાય અને પોતે સંપૂર્ણ થયો છે એવો અહેસાસ થાય. - આ છે વાર્તા નાયકની આંતરિક યાત્રા.
3 ઈડિયટ્સના રેન્ચોને પોતાને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સમજણથી સજ્જ કરવો છે - સાથે ભણવાની પદ્ધતિમાં રહેલી ખામીઓને પણ સુધારવી છે જેથી અન્ય પણ ગોખે નહિ પણ સમજે.
એ જ ફિલ્મમાં - ફરહાનની પણ ઈચ્છા એન્જીનીયર બનવાની હોય છે. પણ ખરેખર એને જે સંપૂર્ણ બનાવે એ એની જરૂરિયાત એના પેશનને અનુસરી ફોટોગ્રાફર બનવાની છે.
ઘણીવાર પાત્રની ઈચ્છા અને જરૂરિયાત એક જ હોય. દા.ત - રેન્ચો
તો ઘણી વાર પાત્રની ઈચ્છા અલગ હોય પણ ખરેખર એની આંતરિક જરૂરિયાત અલગ - દા.ત. - ફરહાન
અહીં એક વાત સમજવી જરૂરી છે -
વાર્તા દરમિયાન પાત્રની આંતરિક યાત્રા બે પ્રકારની મુખ્યત્વે હોય -
પાત્ર શરૂઆતમાં જે માનતો - વિચારતો - કરતો હોય તેવું જ વાર્તાના અંતે પણ માને - વિચારે અને કરે (ઈચ્છા અને જરૂરિયાત એક)
પાત્ર શરૂઆતમાં જેવો હોય એનાથી ઘણો અલગ - વિકસિત વાર્તાના અંતે બને. એની વિચારસરણી બદલાય. (ઈચ્છા અને જરૂરિયાત અલગ)
શ્રીરામ કે રેન્ચો વાર્તાની શરૂઆતમાં જે વિચારે કે માને છે લગભગ તેવા જ વાર્તાના અંતે પણ રહે છે. વિચારધારામાં કોઈ મોટો બદલાવ આવતો નથી.
શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ, સારપના પ્રતીક શરૂઆતમાં પણ હતા અને અંતે પણ રહે છે. એમ જ રેન્ચો.
શ્રીરામ પોતાનામાં રહેલી સીતાની ખોટ પૂરી કરવા માંગે છે, જયારે રેન્ચો શિક્ષણમાં સમજણપૂર્વકના ભણતરની. બંનેની ઈચ્છા અને જરૂરિયાત આ જ છે.
એમ જ, શોલેમાં ગબ્બરસિંહ શરૂઆતમાં ખલનાયક હતો અને અંતે પણ ખલનાયક જ રહે છે.
પણ ઉપર કહ્યું એમ 3 ઈડિયટ્સમાં ફરહાન બદલાય છે. એને પોતાના પેશનનું ભાન થાય છે. એની દેખીતી ઈચ્છા અને સાચી જરૂરિયાત અલગ છે.
આંતરિક યાત્રામાં બદલાવનું વધુ એક સ્પષ્ટ ઉદાહરણ ધ્રુવ ભટ્ટની પ્રખ્યાત નવલકથા તત્વમસિનું અને એના પરથી બનેલી ફિલ્મ ‘રેવા’નું છે. - ‘રેવા’માં વાર્તા નાયકની ઈચ્છા - બાહરી લક્ષ્ય - હોય છે જલ્દી પૈસાદાર બનવાનું - એ માટે પોતાની વારસાગત સંપત્તિ મેળવવાનું. પણ એની જરૂરિયાત - આંતરિક યાત્રા - કંઈક અલગ હોય છે કે જેનું ભાન એ વારસાગત સંપત્તિની લાલચે ભારત આવે ત્યારે ભાન થાય છે.
સંપત્તિ મેળવવાની એની ઈચ્છા જ એને શરૂઆતમાં આગળ ધપાવે છે. પછી એને અમુક નવીન અનુભવો થાય છે. એ એનો દ્રષ્ટિકોણ બદલે છે. વાર્તાના અંતે વળી (સ્પોઈલર) એની ઈચ્છા નર્મદા માતાની પુરી પરિક્રમા કરવાની રહે છે. અને આ બધું જ એની એક જરૂરિયાત માટે - જાતમાં રહેલી અધૂરપ પુરી કરવા માટે - કે જે એ પહેલા સંપત્તિની ઈચ્છા દ્વારા અને પછી પરિક્રમા દ્વારા પુરી કરવા પ્રયત્ન કરે છે.
અહીં વાર્તા નાયક પણ શરૂઆતમાં જેવો હોય છે એનાથી ઘણો અલગ અને વિકસિત વાર્તાના અંતે બને છે. એની વિચારસરણી ધરમૂળથી બદલાય છે.
પણ, વિચારસરણીમાં કે જાતમાં આવતો આ બદલાવ સકારાત્મક - પોઝિટિવ જ હોય એવું જરૂરી નથી.
પાત્રોમાં નકારાત્મક બદલાવ પણ આવી જ શકે.
યાદ કરો - શાહરુખ ખાનની ફિલ્મ ‘બાજીગર’ કે અમિતાભની ફિલ્મ ‘કાલિયા’.
‘કાલિયા’માં અમિતાભ બચ્ચનનું પાત્ર શરૂઆતમાં જાણે સારપ - મહેનત અને ગરીબીનું પ્રતિક હોય છે. પણ અન્ય પાત્રો સાથે ઘટેલી ઘટનાઓને પરિણામે તેની ઈચ્છા બદલાય છે અને તેનો રસ્તો ફંટાય છે.
આમ કેમ થાય એનું સ્પષ્ટ કારણ પણ ફિલ્મમાં જ - ભાઈના મૃત્યુ અને એના કારણ સ્વરૂપે અને પછી એની ખોટી રીતે ફસામણીના સ્વરૂપે દર્શાવાય છે.
માટે દર્શક સમજે છે કે વાર્તા નાયક જે તે નિર્ણય શું કામ કરે છે. પાત્ર રસપ્રદ બને છે.
એમ જ ફિલ્મ ‘બાજીગર’માં શાહરુખ ખાન સાથે બને છે.
‘કાલિયા’માં છતાં અમિતાભના પાત્રના નિર્ણયો માનવતાની નજીક હોય એમ લાગે જયારે ‘બાજીગર’માં તે ક્રૂરતાની નજીક છે.
ફરીથી,
યાદ રાખો - પાત્ર વાચકો માટે રસપ્રદ હોવું જોઈએ. સારું - ખરાબ - સાચું - ખોટું - ગમી જાય તેવું નહિ. પણ રસપ્રદ.
શોલેનો ગબ્બર સિંહ કોઈને ન ગમે - પણ એ અત્યંત રસપ્રદ પાત્ર છે. માટે જ યાદગાર છે.
વાસ્તવિકતાની નજીક હોય તેવી વાર્તાના પાત્ર કે વ્યક્તિઓ હંમેશા સારી અને ખરાબ બંને બાબતો અને ખાસિયતો ધરાવતા હોય છે. કોઈનામાં સારી બાબતો ક્યારેક વધુ હોય તો કોઈનામાં ખરાબ બાબતો ક્યારેક વધુ. પણ યાદગાર પાત્ર કે વ્યક્તિઓ એ બને જે રસપ્રદ હોય.
ફરીથી,
યાદ કરો -
પાત્ર જેવું છે તેવું કેમ છે એની સમજણ વાચકોમાં સ્થાપિત કરવી જરૂરી છે.
પાત્ર કોઈ નિર્ણય લે છે - તો એનું કારણ શું છે?
પાત્રની ઈચ્છા - એટલે એનું બાહરી લક્ષ્ય
પાત્રની ખરી જરૂરિયાત - એટલે એની આંતરિક યાત્રા - કે જે સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ.
અમુક પાત્રોની ઈચ્છા અને જરૂરિયાત બંને સમાન હોય. એટલે તેઓની વિચારધારા વાર્તાની શરૂઆત અને અંત બંનેમાં સરખી જ રહે. દા.ત - શ્રીરામ, રેન્ચો કે ગબ્બર
અમુક પાત્રોની દેખીતી ઈચ્છા અને સાચી જરૂરિયાત અલગ અલગ હોય - માટે તેમનામાં સકારાત્મક કે નકારાત્મક બદલાવ આવે. દા.ત - 3 ઇડિયટ્સનો ફરહાન, તત્વમસિનો નાયક
આ ઉપરાંત,
પાત્રની હરકતોની માહિતી, તેમની પસંદ - નાપસંદ, તેમની વિચારસણી વગેરેની સંવાદ કે તેમના દ્વારા લેવાતા નિણર્યો દ્વારા અપાતી માહિતી પાત્રને રસપ્રદ બનાવે છે.
પાત્ર જે પણ કરે છે એ શું કામ કરે છે એ સ્પષ્ટ હોવું જરૂરી છે.